ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના ચેરમેન પદેથી અસિત વોરાએ રાજીનામું આપી દીધુ છે. ગુજરાતમાં પેપર લીકના પ્રકરણ બાદ અસિત વોરા સતત વિવાદમાં રહ્યાં છે.
અસિત વોરાએ આજે સ્વર્ણીમ સંકુલ પહોંચીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનું રાજીનામું સોપી દીધુ છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કાંડ બાદ મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બની હતી. પેપરલીક કાંડ બાદ સરકારે રાજીનામું માંગ્યુ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, સરકારે વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર અન્ય લોકો સામે પણ કડક પગલા ભરવા મુખ્યમંત્રીએ કહી દીધાની ચર્ચા છે.
12 ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી હતી.
જે બાદ અસિત વોરાની હકાલપટ્ટી કરવાની માંગ ઉઠી હતી. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ સરકાર અસિત વોરાને છોવરી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.
જણાવી દઈએ કે, ગત મહિને રાજ્ય સરકારના તમામ બોર્ડ, નિગમ અને આયોગમાં રાજકીય નિમણૂંક પામેલા નેતાઓને રાજીનામું આપવા માટે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આદેશ કર્યો હતો. જેમાં મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા ઉપરાંત ધનસુખ ભંડેરી સહિત પાંચે પદાધિકારીઓના રાજીનામા લઇ લેવામાં આવ્યા હતા.
વર્ષમાં 9 વર્ષમાં દસ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં
- GPSCની ચીફ ઓફિસરની ભરતી: 2013
- રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા: 2014
- મુખ્ય સેવિકા: 2018
- નાયબ ચિટનીસ: 2018
- પોલીસ લોકરક્ષક દળ: 2018
- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT: 2018
- બિનસચિવાલય ક્લાર્ક: 2019
- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: 2021
- સબ-ઓડિટર: ઓક્ટોબર, 2021
- હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021