Prevention of Kidney Diseases:: કિડની(Kidney) શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની(Kidney) સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે. જો કે, ડૉક્ટરોનું માનીએ તો કિડની(Kidney) ફેલ થતાં પહેલા શરીરમાં તેના લક્ષણો જોવા મળે છે. એટલે જો સમયસર આ લક્ષણો ઓળખીને સારવાર કરવામાં આવે તો કિડની ફેલ થતી બચાવી શકાય છે.
The number of patients suffering from Chronic Kidney Disease (CKD) is on the rise. Alarmingly, about 10% of the adult population is suffering from CKD. In the advanced stage of CKD, a patient needs dialysis & kidney transplantation. These treatments are prohibitively expensive and all patients cannot afford them.
કિડનીના રોગોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય :
મેડિકલ રોગો : કિડની(Kidney) ફેલ્યર, પેશાબનો ચેપ, નેફ્રોટિક સિન્ડ્રોમ એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઈટીસ. આ પ્રકારના કિડનીના રોગોની સારવાર નેફ્રોલોજિસ્ટ દવા દ્વારા કરે છે. ગંભીર કિડની(Kidney) ફેલ્યરના દર્દીઓને ડાયાલિસિસ અને કિડની(Kidney) ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂરિયાત પણ પડી શકે છે.
સર્જિકલ રોગો : પથરીની બીમારી, પ્રોસ્ટેટની બીમારી, મૂત્રમાર્ગનું કૅન્સર. આ પ્રકારના કિડનીના રોગોની સારવાર યુરોલોજિસ્ટ કરે છે અને સામાન્ય રીતે ઓપરેશન, એન્ડોસ્કોપી, લિથોટ્રીપ્સી વગેરે પ્રકારની સારવાર જરૂરી હોય છે.
નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટ વચ્ચે શો તફાવત છે?
કિડની નિષ્ણાત ફિઝિશિયનને નેફ્રોલોજિસ્ટ કહે છે. જ્યારે કિડની નિષ્ણાત સર્જનને યુરોલોજિસ્ટ કહે છે.
કિડની ફેલ્યર
શરીરમાં કિડનીનું મુખ્યકાર્ય લોહીનું શુદ્ધીકરણ તથા પ્રવાહી અને ક્ષારનું નિયમન કરવાનું છે. જ્યારે નુકસાન થવાને કારણે બંને કિડની તેનું સામાન્ય કાર્ય ન કરી શકે ત્યારે કિડનીની કાર્યક્ષમતા ઘટી ગઈ છે અથવા તો કિડની ફેલ્યર છે તેમ કહી શકાય.
એક્યુટ કિડની ફેલ્યરમાં સંપૂર્ણ તંદુરસ્ત કિડનીની કાર્યક્ષમતામાં ઝડપથી, ટૂંકા સમય માટે ઘટાડો થાય છે.
લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધારે હોય તે કિડની ફેલ્યર સૂચવે છે. કિડની ફેલ્યરના બે પ્રકાર છે :
એક્યુટ કિડની ફેલ્યર
એક્યુટ કિડની ફેલ્યરમાં બંને કિડનીઓ કેટલાક રોગને કારણે નુકસાન પામી થોડા સમય કામ કરવાનું બંધ કરી દે છે. એક્યુટ કિડની ફેલ્યરના મોટા ભાગના દર્દીઓમાં પેશાબની માત્રા ઓછી થઈ જાય છે. એક્યુટ કિડની ફેલ્યર થવાના મુખ્ય કારણો ઝાડા-ઊલટી, ઝેરી મલેરિયા, લોહીનું દબાણ એકાએક ઘટી જવું વગેરે છે. યોગ્ય દવા અને જરૂર પડે તો ડાયાલિસિસની સારવારથી આ પ્રકારે બગડેલી બંને કિડની ફરી સંપૂર્ણપણે કામ કરતી થઈ જાય છે. એક્યુટ કિડની ફેલ્યરને એક્યુટ કિડની ઈન્જરી પણ કહેવામાં આવે છે.
ક્રોનિક કિડની ફેલ્યર (સી.કે.ડી.)
ક્રોનિક કિડની ફેલ્યરમાં બંને કિડની ધીમેધીમે, લાંબા ગાળે, ન સુધરી શકે તે રીતે બગડે છે. લાંબા સમય પછી કિડની એવા તબક્કે પહોંચી જાય છે કે તે પોતાની કાર્યક્ષમતા સંપૂર્ણ ગુમાવી દે છે. સી.કે.ડી.ના અંતિમ અને જીવલેણ તબક્કાને એન્ડ સ્ટેજ કિડની (રીનલ) ડિસીઝ કહેવાય છે. સી.કે.ડી.ના શરૂઆતના તબક્કામાં ઘણી વખત કોઈ ચિહ્નો નથી હોતા તેથી રોગનું નિદાન થઈ શકતું નથી.
આ રોગના મુખ્ય ચિહ્નો સોજા, ભૂખ ઓછી લાગવી, ઊલટી-ઊબકા આવવા, નબળાઈ લાગવી, નાની ઉંમરે લોહીનું દબાણ ખૂબ ઊંચું રહેવું વગેરે છે. ક્રોનિક કિડની ફેલ્યર થવાના મુખ્ય કારણો ડાયાબિટીસ, લોહીનું ઊંચુ દબાણ, કિડનીના જુદા જુદા રોગો વગેરે છે. ક્રોનિક કિડની ડિસીઝના નિદાન માટે પેશાબમાં પ્રોટીન જવું, લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધવું અને સોનોગ્રાફીમાં કિડની નાની અને સંકોચાયેલી હોવી તે સામાન્ય રીતે જોવા મળતા અગત્યના ચિહ્નો છે.
લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ કિડની કેટલી ખરાબ થઈ છે તેની માત્રા સૂચવે છે. કિડની વધુ બગડવા સાથે લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધતું જાય છે.
ક્રોનિક કિડની ફેલ્યરમાં બંને કિડની ધીમેધીમે ન સુધરી શકે તે રીતે બગડે છે.
આ રોગના શરૂઆતના તબક્કામાં સારવાર દવા અને ખોરાકમાં પરેજી દ્વારા કરવામાં આવે છે. આ સારવારનો હેતુ કિડની વધુ બગડતી અટકાવવી અને દવાની મદદથી જ દર્દીની તબિયત બને તેટલો લાંબો સમય સારી રાખવાનો છે.
ડાયાલિસિસ :
બંને કિડની વધુ બગડે ત્યારે શરીરમાં બિનજરૂરી ઉત્સર્ગપદાર્થો અને પ્રવાહીની માત્રામાં વધારો થાય છે. આ પદાર્થોને કૃત્રિમ રીતે દૂર કરવાની પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. ડાયાલિસિસથી કિડની ફેલ્યર મટી શકતું નથી. કિડની ફેલ્યરના અંતિમ તબક્કામાં દર્દીને જિંદગીભર નિયમિત ડાયાલિસિસ કરાવવું જરૂરી છે. જોકે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ડાયાલિસિસની જરૂર પડતી નથી.
ડાયાલિસિસના બે પ્રકાર છે :
૧. હિમોડાયાલિસિસ - લોહીનું ડાયાલિસિસ :
આ પ્રકારના ડાયાલિસિસમાં હિમોડાયાલિસિસ મશીનની મદદ વડે, કૃત્રિમ કિડની (ડાયાલાઈઝર)માં લોહીનું શુદ્ધીકરણ કરવામાં આવે છે. એ.વી. ફીસ્ચ્યુલા (કે ડબલ લ્યુંમેન કેથેટર)ની મદદથી શરીરમાંથી શુદ્ધીકરણ માટે લોહી મેળવવામાં આવે છે.
સારી તબિયત જાળવવા દર્દીઓએ નિયમિતપણે, અઠવાડિયામાં બેથી ત્રણ વખત હિમોડાયાલિસિસ કરાવવું જરૂરી છે, જે દરમિયાન દર્દી પથારીમાં રહી સામાન્ય કાર્ય(નાસ્તો કરવો, વાંચવું, ટી.વી. જોવું વગેરે) કરી શકે છે. નિયમિતપણે હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓ સામાન્ય જિંદગી જીવી શકે છે. અને ફક્ત ડાયાલિસિસ માટે થોડો સમય હૉસ્પિટલ-હિમોડાયાલિસિસ યુનિટમાં આવે છે.
હાલના તબક્કે હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓની સંખ્યા પેટનું ડાયાલિસિસ (સી.એ.પી.ડી.) કરાવતા દર્દીઓ કરતા ઘણી વધારે છે.
૨. પેરિટોનીઅલ ડાયાલિસિસ - પેટનું ડાયાલિસિસ (સી.એ.પી.ડી.) :
આ પ્રકારનું ડાયાલિસિસ દર્દી પોતાની મેળે મશીન વગર ઘરે કરી શકે છે. સી.એ.પી.ડી.માં ખાસ જાતના નરમ, ઘણા છિદ્રો ધરાવતા કેથેટર દ્વારા પી.ડી. ફ્લ્યુડ પેટમાં દાખલ કરવામાં આવે છે. આ પ્રવાહી કેટલાકકલાકો બાદ બહાર કાઢવામાં આવે ત્યારે તેની સાથે શરીરમાંનો બિનજરૂરી કચરો અને પ્રવાહી પણબહાર નીકળી જાય છે. હિમોડાયાલિસિસ કરતાં વધુ ખર્ચઅને પેટમાં ચેપનું જોખમ તે સી.એ.પી.ડી.ના બે મુખ્યગેરફાયદાઓ છે.
કિડની બગડતી અટકાવવાના ઉપાયો
સામાન્ય વ્યક્તિ માટે સૂચનો
કિડનીના રોગો અત્યંત ગંભીર હોવાથી તે કિડનીની કાર્યક્ષમતામાં પ્રગતિશીલ ઘટાડો કરી શકે છે. આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સામાન્ય જીવન જીવવા માટે અગત્યની બની જાય છે. કિડનીના ઘણા રોગો અત્યંત ગંભીર હોય છે અને તેનું નિદાન મોડું થાય તો તે તબક્કે કોઈ સારવાર અસરકારક નીવડતી નથી. ક્રોનિક કિડની ફેલ્યર જેવા ન મટી શકે તેવા રોગના છેલ્લા તબક્કાની સારવાર (જેમ કે ડાયાલિસિસ તથા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન) અત્યંત ખર્ચાળ છે અને બધી જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. વિકાસશીલ દેશોમાં ફક્ત ૫-૧૦% દર્દીઓને જ આ સારવાર પર વડે છે. જ્યાં બાકીના દર્દીઓનું જીવન ઈશ્વર ઇચ્છાને આધીન હોય છે. વહેલાસર નિદાન દ્વારા સી.કે.ડી.માં કિડની વધુ બગડતી અટકાવી શકાય છે અને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે તે તબક્કાને દૂર ઠેલી શકાય છે.
આ કારણસર “Prevention is better than cure” કહેવતને અનુસરવું ખૂબ જ જરૂરી છે.
કિડની બગડતી અટકાવવાના સૂચનો વિશે દરેક વ્યક્તિને માહિતી હોવી જરૂરી છે, જેની ચર્ચાના મુખ્ય બે ભાગ છે :
કિડની રોગ અટકાવવા માટે સાત સોનેરી સૂચનો :
૧. નિયમિત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું :
નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં સુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરતથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે.
૨. પૌષ્ટિક ખોરાક લેવો :
ખોરાકમાં નમક(મીઠું), ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું (નમક) રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ. ૪૦ વર્ષની ઉંમર બાદ ખોરાકમાં નમક(મીઠું)નું પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે.
૩. યોગ્ય વજન જાળવવું :
સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન જાળવી શકાય છે. યોગ્ય વજન જાળવવાથી ડાયાબિટીસ, લોહીનું દબાણ, હૃદયરોગ અને આ પ્રશ્નોને કારણે થતા કિડનીના પ્રશ્નો અટકાવી શકાય છે.
૪. પાણી વધારે પીવું :
તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૨ લિટર (૧૦-૧૨ ગ્લાસ)થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બિનજરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લિટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ.
૫. ધૂમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો :
ધૂમ્રપાનને કારણે લોહીની નળીઓ સંકોચાઈ જાય અને તેથી કિડનીને લોહી ઓછું પહોંચે છે. જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે.
૬. દુખાવાની દવાઓથી દૂર રહો :
ઘણા લોકો સાંધા કે શરીરના દુખાવા માટે ડૉક્ટરની સલાહ વગર દુખાવાની દવા લેતા હોય છે જેના કારણે કેટલીક વખત લાંબા ગાળે કિડની બગડી શકે છે. દુખાવા માટે ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા લેવામાં શાણપણ અને કિડનીની સલામતી છે.
૭. રૂટિન હેલ્થ ચેકઅપ :
૪૦ વર્ષ પછી કોઈ પણ તકલીફ ન હોવા છતાં દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવાથી લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, કિડનીના રોગ વગેરેનું નિદાન કોઈ પણ ચિહ્નો ન હોય તે તબક્કે વહેલાસર થઈ શકે છે. ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ વારસાગત રોગ હોવાથી જે વ્યક્તિના કુટુંબમાં આ રોગ હોય તેવી દરેક વ્યક્તિએ દર એક કે બે વર્ષે ચેકઅપ કરાવી લેવું જરૂરી છે. આ પ્રકારના રોગની વહેલાસર યોગ્ય સારવારથી કિડનીને ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતા અટકાવી કે ઘટાડી શકાય છે.
કિડની રોગથી બચવા જરૂરી માહિતી | Prevention of Kidney Disease by 100 Kidney Specialist in 36 Language
મુખ્યમંત્રી રાહત ફંડ માંથી કિડની રોગો ની સહાય અંગે માહિતી અહીંથી વાંચો
KIDNEY DISEAS PDF FILE સંપૂર્ણ ગુજરાતી માહિતી અહીંથી વાંચો
કિડનીના રોગો સંપૂર્ણ ગુજરાતી માહિતી અહીંથી વાંચો
કિડની બગડતા અટકાવવાના ઉપાયો અહીંથી વાંચો